સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદા ગર્લ્સ હોસ્ટેલ ખાતે મહિલા અધિકારો અને કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના LL.M. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નર્મદા ગર્લ્સ હોસ્ટેલ ખાતે વિશેષ કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘DIGNITY’ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અધિકારો, મહિલાઓની સુરક્ષા, મહિલા સશક્તીકરણ અને સામાજિક જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મહિલાઓના અધિકારોનું રક્ષણ, કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણીના નિવારણ માટેનો POSH અધિનિયમ, મહિલા સશક્તીકરણ, શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ સામે વિદ્યાર્થીઓનું રક્ષણ, જાહેર સ્થળોએ મહિલાઓના કાયદાકીય અધિકારો તથા અંધશ્રદ્ધા વિરોધી કાયદાઓ જેવા વિષયો પર વ્યાખ્યાન આપ્યાં હતાં.
આ જનજાગૃતિ કાર્યક્રમમાં LL.M. સેમેસ્ટર-૧ના ‘DIGNITY’ ગ્રુપનાં સભ્યો ભૂમિબેન, કૃપાબેન, ભારતીબેન, હિનલબેન, પ્રિયંકાબેન અને નરેશકુમાર સક્રિય રીતે સહભાગી થયા હતા. તેમણે વિવિધ કાયદાકીય વિષયો અંગે માહિતી રજૂ કરીને મહિલા સુરક્ષા, માનવીય ગૌરવ, સમાનતા અને મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખાસ કરીને વિદ્યાર્થિનીઓને કાર્યસ્થળે જાતીય સતામણી સામે ઉપલબ્ધ કાયદાકીય રક્ષણ, રેગિંગ વિરોધી જોગવાઈઓ તથા જાહેર સ્થળોએ મહિલાઓના અધિકારો અંગે માહિતગાર કરવાનો આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ઉદ્દેશ રહ્યો હતો. આ ઉપરાંત મહિલા સશક્તીકરણ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદાઓ અંગે જાગૃતિ દ્વારા સમાજમાં મહિલાઓના ગૌરવ અને સુરક્ષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભવન તરફથી અધ્યાપકશ્રી ડૉ. સાગર વી. અમીપરા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમ દરમિયાન જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત કરેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાહેર સંવાદ, નેતૃત્વ, કાયદાકીય વિષયોની અસરકારક રજૂઆત અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.
મહિલાઓના અધિકારોનું રક્ષણ, માનવીય ગૌરવ, સમાનતા અને મહિલા સશક્તીકરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ ભવનની મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વિસ્તરણ પ્રવૃત્તિ બની રહ્યો હતો.